ઉદ્ધવ ઠાકરેએ કરવામાં આવેલી જાહેરાત બાદ સાંઇબાબાના જન્મસ્થળ પર સર્જાયેલા વિવાદ મુદ્દે રવિવારથી સાંઇધામ તરીકે ઓળખાતા શિરડીમાં રવિવારથી અનિશ્ચિત મુદતના બંધનો પ્રારંભ થયો હતો. આખા શહેરમાં દુકાનો, હોટલો, બજારો, વાણિજ્યિક સંસ્થાનો અને સ્થાનિક પરિવહન બંધ રહ્યાં હતાં. શનિવાર મધરાતથી જ શહેરમાં બંધનો પ્રારંભ થઇ ગયો હતો પરંતુ સાંઇબાબાનું મંદિર પૂજા કરવા ભક્તો માટે ખુલ્લું રખાયું હતું. ટેમ્પલ ટ્રસ્ટ અને એહમદનગર જિલ્લા તંત્રે જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓને અસુવિધા ન થાય તે માટે પ્રસાદાલય અને મંદિરનું રસોડું ચાલુ રખાયાં હતાં. મંદિરમાં લાડુ વેચાણ કેન્દ્રો, નાસ્તા સેન્ટર અને પ્રસાદાલય ખાતે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી.


બંધને સફળ ગણાવતા ભાજપના સ્થાનિક કાર્યકર અને મંદિરના પૂર્વ ટ્રસ્ટી સચિન તામ્બે પાટિલે જણાવ્યું હતું કે, વ્યાવસાયિક સંસ્થાનો, દુકાનો, બજારો, રેસ્ટોરન્ટ, ઓટોરિક્ષા અને અન્ય ખાનગી વાહનો બંધ રહ્યાં હતાં. શિરડી શહેર અને આસપાસનાં 25 ગામોમાં જડબેસલાક બંધ પાળવામાં આવ્યો હતો. પરંતુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા હોવાથી મંદિર ખુલ્લું રખાયું હતું. 

જિલ્લા તંત્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે, જેમણે પહેલેથી હોટલમાં બુકિંગ કરાવ્યા હતા તે શ્રદ્ધાળુઓને રહેવાની પરવાનગી અપાઇ હતી. એરપોર્ટથી મંદિર સુધીની ટેક્સી સેવાઓ પણ યથાવત રહી હતી. અન્ય સ્થળોએથી શિરડી આવતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોને પણ બંધમાંથી મુક્તિ અપાઇ હતી. ભાજપના સ્થાનિક ધારાસભ્ય રાધાકૃષ્ણ વિખે પાટિલે બંધને સમર્થન આપ્યું હતું.

మరింత సమాచారం తెలుసుకోండి: