ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીયપ્રધાન અનંતકુમાર હેગડેએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે બેફામ વાણીવિલાસ કર્યો હતો. તાજેતરમાં એક કાર્યક્રમને સંબોધતા તેમણે ગાંધીજીના સ્વતંત્રતા સંગ્રામને ડ્રામા ગણાવતા મોટો રાજકીય વિવાદ સર્જાયો હતો.
કર્ણાટકની રાજધાની બેંગ્લુરૂમાં અનંત કુમાર હેગડેએ એક કાર્યક્રમને સંબોધતાં કહ્યું હતું કે ગાંધીજી દ્વારા કરવામાં આવેલો સ્વતંત્રતા સંગ્રામ આખો બનાવટી હતો. એને બ્રિટિશ સામ્રાજ્યનું સમર્થન હતું. એ સમયના તથાકથિત મોટા મોટા નેતાઓએ એક વાર પણ પોલીસના હાથનો માર ખાધો નહોતો. એમનું આંદોલન એક નાટક હતું. એમાં મોટા નેતાઓએ અંગ્રેજોની પરવાનગી બાદ આ ડ્રામા કર્યો હતો. આ કોઈ અસલ લડાઈ નહોતી પણ દેખાવટી સંઘર્ષ હતો.
અનંત કુમાર હેગડેએ ગાંધીજીની ભૂખ હડતાળ અને સત્યાગ્રહ આંદોલનોને પણ નાટક ગણાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે જે લોકો કોંગ્રેસનું સમર્થન કરે છે તેઓ એ કહે છે કે ભારતને આઝાદી ભૂખ હડતાળ અને સત્યાગ્રહથી મળી પણ આ સાચું નથી. અંગ્રેજોએ સત્યાગ્રહના કારણે દેશ છોડયો નહોતો. તેમણે આપણી નિરાશા અને પરાજયના કારણે આઝાદી આપી હતી. હું જ્યારે ઇતિહાસ વાંચું છું ત્યારે મારું લોહી ઊકળી ઊઠે છે. આવા લોકો આપણા દેશમાં મહાત્મા બની જાય છે.
હેડગેના અવિચારી નિવેદન મુદ્દે ભાજપે નારાજી દર્શાવી છે અને પાર્ટીના ટોચના નેતૃત્વએ હેગડેને કોઈ પણ શરત વિના માફી માગવા આદેશ આપ્યો છે.
click and follow Indiaherald WhatsApp channel