ગુરુવાર સાંજે 5 કલાકે દિલ્હી વિધાનસભાની ચૂંટણીપ્રચાર થંભી ગયો છે. છેલ્લે દિવસે તમામ પાર્ટીઓએ જોરશોરથી પ્રચાર માટે તાકાત લગાવી દીધી છે. આમ આદમી પાર્ટી અને બીજેપીનાં નેતાઓ સૌથી વધારે ચૂંટણીનાં મેદાનમાં જોવા મળ્યાં. ભાજપે તો આખી સેના દિલ્હીમાં ઊતારી દીધી હતી. 250 જેટલાં સાંસદ સભ્યો દિલ્હીની 70 વિધાનસભાની બેઠકો પર ફરી વળ્યાં છે.

હવે જ્યારે જાહેરસભાઓનો સમય પૂરો થયો છે ત્યારે 8મી તારીખ સુધી ડોર ટુ ડોર પ્રચાર ચાલશે. ૭૦ વિધાનસભાની બેઠકોના 1,47,,86,389 મતદારોને ખુશ કરવા તમામ નેતાઓએ એડીચોટીનું જોર લગાવી દીધું છે. જંગ જીતવા આ મતદારો પણ દરેક રાજકીય પાર્ટી માટે અગત્યનાં છે. 

રાજકીય પાર્ટીઓ જ્યારે મત મેળવવા માટે મફતની ટેવ મતદારોને પાડતી હોય છે ત્યારે તેનું પરિણામ બહુ ખરાબ આવે છે. સરકારની જવાબદારી છે કે રોજગારીનું સર્જન કરવાની, રોજગારી નહીં મેળવનારને બેકારી ભથ્થાં તરીકે દર મહિને 5000 રૂપિયા આપવા એ વાત જ ભયંકર છે. રાજ્ય સરકાર પાસે પૈસા નાગરિકોનાં ટેક્સમાંથી આવે છે. આ ટેક્સનાં રૂપિયા રાજ્યનાં વિકાસ માટે ખર્ચવામાં આવે છે જેમાં રોડ, પાણી, આરોગ્ય, ઇલેક્ટ્રિસિટી અને શિક્ષણની સુવિધા પાછળ ખર્ચવાનાં હોય છે. હવે આ જ રૂપિયા જો મફતમાં વહેંચાશે ત્યારે રાજ્યનો વિકાસ ક્યાંથી થશે તે પણ એક મોટો પ્રશ્ન છે.

ચૂંટણી જીતવા રાજકીય પાર્ટીઓ દ્વારા અપાતાં આ વચનોની પરંપરા તામિનલનાડુથી શરૂ થઇ છે. હવે આ પરંપરા અટકાવા ચૂંટણી પંચે જ આગળ આવવું પડે તે જરૂરી બન્યું છે. મત મેળવવા માટે દારૂ, રૂપિયા કે કોઇ ગિફ્ટ આપવી ગુનો છે. તેવી જ રીતે મત મેળવવા માટે મફત વસ્તુઓ પૂરી પાડવાના વચનો આપવા તે પણ ગેરકાયદે જાહેર કરવું જોઇએ તે સમયની માગ છે.

మరింత సమాచారం తెలుసుకోండి: