કોરોના વાઈરસે ચીનમાં મોતનું તાંડવ કર્યુ છે અને સમગ્ર  વિશ્વમાં તેના કારણે ફફડાટ છે ત્યારે વધુ એક ઉપાધિ આ વાઈરસના  કારણે આવી છે. કોરોના વાઈરસ માણસોની સાથે સાથે હવે  ઉદ્યોગોને પણ ભરખી રહ્યો છે. વાઈરસને પગલે ચીન, જાપાન,  કોરિયા અને તેની આસપાસના તમામ પ્રાંતોમાં આવેલી  મલ્ટિનેશનલ કંપનીઓ, ઉદ્યોગ ગૃહોએ પોતાનું ઉત્પાદન અટકાવી દીધું છે. કેટલીક કંપનીઓ દ્વારા કર્મચારીઓને આંશિક પગાર સાથે  તો ઘણી કંપનીઓ દ્વારા પગાર નહીં આપવાની શરતે રજા ઉપર ઉતારી  દીધા છે. 


સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુનિયાના સૌથી મોટા ઓટોમોબાઈલ પ્લાન્ટ દ્વારા પ્રોડક્શન બંધ કરીને કર્મચારીઓને રજા ઉપર ઉતારી દેવાયા છે. સાઉથ કોરિયા ખાતે આવેલા હ્યુન્ડાઈના આ પ્લાન્ટમાં સ્પેરપાર્ટ્સની અછતને લીધે અને રોગના ફેલાય તેની તકેદારીને પગલે ૨૫,૦૦૦ કર્મચારીઓને રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે. મહત્ત્વની વાત એ છે કે, આ પ્લાન્ટ દ્વારા વર્ષે ૧૪ લાખ  વાહનોનું ઉત્પાદન અને સપ્લાય થાય છે. હ્યુન્ડાઈ દ્વારા આ પ્લાન્ટ  પાંચ દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. તેના કારણે કંપનીને  ૫૦૦ મિલિયન ડોલરનું નુકસાન થવાની પણ શક્યતા છે.

બીજી બાજુ કોરોના વાઇરસના ચેપ વિશે દુનિયાને જણાવનારા  ૩૪ વર્ષના લી વેનલિઆંગનું વુહાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. ઓપ્થેલ્મોલોજિસ્ટ ડોક્ટરે આ ચેપ વિશે ટ્વિટ કર્યા બાદ ચીનની સરકારે તેની સામે પગલાં  લીધાં હતાં અને ક્રિમિનલ કેસ કરવાની ધમકી આપી હતી. સ્થાનિક લોકોએ આ ડોક્ટરને હીરો ગણાવ્યો હતો. તે ઉપરાંત ચીની સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.

మరింత సమాచారం తెలుసుకోండి: