રાજ્યસભાની 17 રાજ્યોની 55 બેઠક માટે તારીખ જાહેર કરવામાં આવી છે. એપ્રિલ ૨૦૨૦માં ૧૭ રાજ્યોના ૫૫ રાજ્યસભા સાંસદો નિવૃત્ત થઇ રહ્યાં હોવાથી આ બેઠકો ભરવા માટે ચૂંટણી પંચે ૨૬ માર્ચના રોજ મધ્યાવધિ ચૂંટણી યોજવાની મંગળવારે જાહેરાત કરી હતી. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, રાજ્યસભાની ચૂંટણી માટેનું જાહેરનામુ ૬ માર્ચના રોજ જાહેર કરાશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૩ માર્ચ રહેશે. ૧૬ માર્ચે ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવાર ૧૮ માર્ચ સુધી પોતાનું ઉમેદવારી પત્ર પાછું ખેંચી શક્શે. રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન બેલેટ પેપર દ્વારા કરાશે.
૨૬ માર્ચના રોજ મતદાનના એક કલાક બાદ તે જ દિવસે મતગણતરી હાથ ધરાશે. જે રાજ્યોમાં રાજ્યસભાના સાંસદોની ચૂંટણી યોજાવાની છે તેમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલપ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, રાજસ્થાન અને મેઘાલયનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૭, તામિલનાડુમાં ૬ અને પશ્ચિમ બંગાળમાં પાંચ બેઠકો ખાલી થઇ રહી છે. ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકોની મુદત ૯ એપ્રિલના રોજ પૂરી થાય છે. રાજ્યમાં સત્તાધારી ભાજપ પાસે હાલ ૪માંથી ૩ બેઠકો છે જ્યારે એક બેઠક કોંગ્રેસ પાસે છે.
રાજ્યસભામાંથી નિવૃત્ત થઇ રહેલા દિગ્ગજ નેતાઓમાં એનસીપીના સુપ્રીમો શરદ પવાર, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, કોંગ્રેસના પીઢ નેતા મોતીલાલ વોરા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી વિજય ગોયલનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતના રાજ્યસભામાં રહેલા આ સાંસદો આગામી સમયમાં નિવૃત્ત થશે
૦૧ ચુનીભાઇ ગોહેલ
ભાજપ
૦૨ શંભુપ્રસાદ ટુંડિયા
ભાજપ
૦૩ લાલસિંહ વાડોડિયા
ભાજપ
૦૪ મધુસુદન મિસ્ત્રી
કોંગ્રેસ
click and follow Indiaherald WhatsApp channel