મધ્યપ્રદેશમાં છેલ્લા 2 સપ્તાહથી ચાલી રહેલા રાજકીય નાટકના અંત સાથે 15 મહિના કરતાં જૂની કોંગ્રેસની કમલનાથ સરકારનું શુક્રવારે આંતરિક જૂથબાજી અને સિંધિયા સમર્થક 22 કોંગ્રેસી ધારાસભ્યોના બળવાના કારણે પતન થયું હતું. શુક્રવારે સાંજે 5 કલાક સુધીમાં વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા બાદ મુખ્યમંત્રી કમલનાથે હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. શુક્રવારે સવારે પત્રકાર પરિષદને સંબોધન કરતાં કમલનાથે તેમની સરકારના રાજીનામાંની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેઓ રાજ્યપાલ લાલજી ટંડનને રાજીનામું આપવા રાજભવન ગયા હતા. રાજભવનના અધિકારીએ જણાવ્યું હતું કે, કમલનાથે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે. 

 

કમલનાથે જણાવ્યું હતું કે, મારી સરકાર વિરુદ્ધ કાવતરું કરીને ભાજપે લોકતાંત્રિક મૂલ્યોની હત્યા કરી છે. મધ્યપ્રદેશની હાલની રાજકીય કટોકટી માટે જ્યોતિરાદિત્ય સિંધિયા જવાબદાર છે. એક મહારાજા અને 22 લાલચુ લોકોએ સરકાર ઊથલાવવાનું કાવતરું ઘડયું હતું. મેં 17 ડિસેમ્બર 2018ના રોજ મધ્યપ્રદેશમાં શાસનની ધૂરા સંભાળી હતી. મારી સરકારના 15 મહિનાના શાસનમાં થઈ રહેલા પ્રજાલક્ષી કામો ભાજપને પસંદ નહોતા તેથી તેઓ સતત મારી વિરુદ્ધ કાવતરાં કરી રહ્યાં હતાં. ભાજપે કોંગ્રેસના 22 ધારાસભ્યોને બેંગલોરમાં બંધક બનાવી દીધાં હતાં તેનો સમગ્ર દેશ સાક્ષી છે.

 

કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટમાં જણાવ્યું હતું કે, આજે મધ્યપ્રદેશમાં જનતાની જીત થઈ છે. રાજનીતિ સેવાનું માધ્યમ હોવું જોઈએ પરંતુ આ સરકાર ભટકી ગઈ હતી. સત્યનો ફરી વિજય થયો છે. સત્યમેવ જયતે

మరింత సమాచారం తెలుసుకోండి: