દેશના અત્યાર સુધીના ઇતિહાસમાં કોરોના ઇફેક્ટને કારણે સોમવારે સુપ્રીમ કોર્ટમાં પહેલીવાર વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે તમામ મહત્વના કેસોની સુનાવણી વીડિયો કોન્ફરન્સિંગથી કરવાનું નક્કી કર્યું છે. કોરાનાનાં સંક્રમણથી બચવા કોર્ટ પરિસરમાં તમામ વકીલોની ચેમ્બર્સ બીજો આદેશ કરવામાં ન આવે ત્યાં સુધી બંધ કરવા આદેશ આપ્યો છે. વકીલોને ટોળે નહીં વળવા પણ ફરમાન કરાયું છે. મંગળવારે સાંજે ૫ સુધીમાં વકીલોની ચેમ્બર્સને સીલ મારી દેવામાં આવશે. 


લોકોને કોર્ટમાં રૂબરૂ હાજર થવા સામે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે જેલમાં કેદીઓની સંખ્યા વધારે છે ત્યાં ૭ વર્ષ સુધીની સજા પામેલા કેદીઓને પેરોલ પર છોડવા વિચારાઈ રહ્યું છે. આ માટે તમામ રાજ્યોના કાયદા સચિવના વડપણ હેઠળ ઉચ્ચ કક્ષાની સમિતિ રચવા આદેશ અપાયો છે. કોને પેરોલ પર છોડવા અને કોને જામીન પર છોડવા તે આ સમિતિ નક્કી કરશે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બોબડે ઉપરાંત જસ્ટિસ એલ એન રાવ અને સૂર્યકાંતની બેન્ચે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટ બાર એસોસીએશનના પ્રમુખ દુષ્યંત દવે જ કયા વકીલને તાકીદનાં કામ માટે કોર્ટમાં હાજર રહેવા દેવા તે નક્કી કરશે.


કોરોના સામે લડવાના સરકારનાં પગલાંની સુપ્રીમ કોર્ટે પ્રશંસા કરી છે. સરકારે જે કડકાઈ દર્શાવી છે તે પ્રશંસાને પાત્ર છે. સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે અને ટીકાકારો પણ તેનાં વખાણ કરે છે. કોરોના સામે લડવા સરકારને યોગ્ય પગલાં લેવા આદેશ આપવામાં આવે તેવી અરજીની સુનાવણી વખતે ચીફ જસ્ટિસ એસ એ બોબડેની બેન્ચે કહ્યું હતું કે, આખો દેશ માને છે કે સરકાર કોરોનાથી લડવા તમામ પગલાં લઈ રહી છે . સરકારનાં કામથી અમને સંતોષ છે. સરકારે ઝડપથી તમામ પગલાં લીધાં છે.

 

మరింత సమాచారం తెలుసుకోండి: