રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ આજે એક ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કરશે. આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થશે. ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર 31 માર્ચ સુધી ચાલશે. સત્રના પ્રથમ દિવસે ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને આજે બન્ને પક્ષોની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે.
ડેપ્યૂટી સીએમ નીતિન પટેલના રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી નીતિન ભાઈએ 7 વાર ગુજરાતનું બજેટ રજૂ કર્યું છે અને આજે તેઓ 8મી વખત બજેટ રજૂ કરીને એક નવો રેકોર્ડ બનાવશે. તમને જણાવીએ કે, ગુજરાત વિધાનસભામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણાંમંત્રી વજુભાઈ વાળાના નામે છે. અને નીતિનભાઈ બજેટ રજૂ કરીને બીજા ક્રમે પહોંચી જશે.
ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરવાના ઈતિહાસને જાણીએ તો, વજુભાઈ વાળાએ રાજ્યમાં 18 વખત બજેટ રજૂ કરી ચૂક્યા છે. જેમાં કેશુભાઈ પટેલના મુખ્યમંત્રીકાળ દરમિયાન 1998થી લઈને 2001 સુધી, ત્યારબાદ 2002થી નરેન્દ્રમોદીના મુખ્યમંત્રીકાળ દરમિયાન વર્ષ 2014 સુધી બજેટ રજૂ કર્યું હતું. આમ વજુભાઈ વાળાએ પોતાના રાજકીય કરિયરમાં 18 વખત ગુજરાતમાં બજેટ રજૂ કર્યું હતું.
2014 બાદ વજુભાઈને બદલે નીતિન પટેલને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. મોદી વડાપ્રધાન બન્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી પદે આનંદીબહેન પટેલ આવ્યા અને સૌરભ પટેલ નાણાંમંત્રી બન્યા હતા. પરંતુ વર્ષ 2017માં બનેલી રૂપાણી સરકારમાં નીતિનભાઈ પટેલ ત્રીજીવાર નાણાંમંત્રી બન્યા અને 2017 લઈ અત્યાર સુધી મળીને કુલ 7વાર બજેટ રજૂ કરી ચૂક્યા છે. આજે 8મી વખત બજેટ રજૂ કરશે. જેમાં નીતિન પટેલે બેવાર લેખાનુદાન અને 5વાર પૂર્ણ બજેટ રજૂ કર્યું હતું.
click and follow Indiaherald WhatsApp channel