બોલિવુડ સ્ટાર રણવીર સિંહ આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ના શૂટિંગમાં વ્યસ્ત થશે. આ ફિલ્મમાં રણવીર સિંહ ગુજરાતીનો રોલ પ્લે કરી રહ્યો છે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક થોડાં સમય પહેલાં રિલીઝ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મથી તેલુગુ ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની એક્ટ્રેસ શાલિની પાંડે બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે. ‘છપાક’ના સ્ક્રીનિંગ બાદ રણવીર સિંહ શૂટિંગ માટે ગુજરાત રવાના થયો.

સૂત્રોના મતે, ગુજરાતમાં ફિલ્મનું સેકન્ડ શિડ્યૂઅલ શરૂ કરવામાં આવશે. ફિલ્મના શૂટિંગની તમામ વાતો સીક્રેટ રાખવામાં આવી છે. ગુજરાતમાં રણવીર સિંહના ઘણાં મોટા પ્રશંસકો છો અને તેથી જ માનવામાં આવે છે લોકેશન પર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડશે. પ્રોડક્શન ટીમ ઈચ્છે છે કે શૂટિંગ સરળતાથી થાય અને તેથી જ ગુજરાતમાં કઈ જગ્યાએ શૂટિંગ છે, તે વાત હજી સુધી બહાર પાડવામાં આવી નથી. ફિલ્મમાં ગુજરાતની વાત છે અને તેથી જ સેકન્ડ શિડ્યૂઅલ ઘણું જ મહત્ત્વનું છે. ટીમ ગુજરાતમાં લૉ-પ્રોફાઈલ રહીને શૂટિંગ કરશે. શાલિની પણ ગુજરાત આવી ગઈ છે.

રણવીર સિંહને જ્યારે ‘જયેશભાઈ જોરદાર’ અંગે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપ્યો હતો કે ચાર્લી ચેપ્લિને એક વાર કહ્યું હતું કે જો તમારે હસવું હોય તો તમારામાં દુઃખ સહન કરવાની શક્તિ હોવી જોઈએ. જયેશભાઈ પણ આવો જ એક હિરો છે, જે સામાન્ય વ્યક્તિ છે અને મુશ્કેલભરી પરિસ્થિતિમાં તે અસાધારણ કામ કરી નાખે છે. જયેશભાઈ સંવેદનશીલ તથા કરુણાસભર છે. જયેશભાઈ સમાજમાં ઊંડે સુધી ખૂંપેલા પિતૃસત્તાક આદર્શો તથા સિદ્ધાંતોમાં નહીં પરંતુ મહિલાઓ તથા પુરુષોના સમાન હકમાં માને છે. જયેશભાઈ એક પડકારજનક રોલ છે અને આ પહેલાં તેણે ક્યારેય આ પ્રકારનો રોલ કર્યો નથી.

మరింత సమాచారం తెలుసుకోండి: