મોદી સરકારે ખેડૂતોને ભેટ આપતો મહત્ત્વનો નિર્ણય લીધો છે. બધુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતોને રાહત આપતા વડા પ્રધાન પાક વીમા યોજનાને સ્વૈચ્છિક બનાવવામાં આવી હતી. ખેડૂતો પોતે નક્કી કરશે કે તેમણે આ યોજના સાથે જોડાવું છે કે નહીં. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં શરૂ થનારી ખરીફ પાક સીઝનથી જ સરકારનો આ નિર્ણય અમલી બનાવી દેવામાં આવશે.
અત્યાર સુધી કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા કોઈ ખેડૂત પોતાના પાક માટે લોન લેતો હોય તો તેની સાથે તેણે ફરજિયાત વીમો પણ લેવો પડતો હતો. આ નિયમના કારણે ઘણા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ નિયમ અંગે ઘણી ફરિયાદો પણ આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે, તેમને એવી ફરિયાદો મળતી હતી કે, ખેડૂતો દ્વારા વીમો લેવામાં ન આવ્યો હોય છતાં બેન્ક અને વીમા કંપનીઓ દ્વારા ખેડૂતોને જાણ કર્યા વગર જ વીમાની રકમ લઈ લેવામાં આવતી હતી. આ મુદ્દે ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યો મોખરે હતા. ઉલ્લેખનીય છે કે, દેશના ૫૮ ટકા ખેડૂતો લોન લઈને અને ૪૨ ટકા ખેડૂતો લોન લીધા વગર ખેતી કરતા હોય છે. આ ફરિયાદો અને ગોટાળા દૂર કરવા માટે જ સરકાર દ્વારા પહેલ કરવામાં આવી છે. લોન લેનારા ખેડૂતો પણ હવે વીમા યોજના સાથે જોડાવું છે કે નહીં તે જાતે નક્કી કરશે.
પાક વીમા યોજના દ્વારા સૌથી વધારે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ખેડૂતોને લાભ થતો હતો આ રાજ્યના ખેડૂતો પોતાના પાકનો વીમો કરાવતા હતા કારણ કે આ વિસ્તારોમાં ખરાબ વાતાવરણ અને હવામાનને કારણે પાકને નુકસાન થવાની અને પાક નિષ્ફળ જવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા દેશના ૫.૫ કરોડ ખેડૂતોને પાક વીમા યોજના હેઠળ ૬૦,૦૦૦ કરોડ વળતર ચૂકવાયું છે.
click and follow Indiaherald WhatsApp channel