વધતા કેસનાં કારણે દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓને રાહતનાં સમાચાર આપતા મોટી જાહેરાત કરી છે. કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી કે હવે દિલ્હીની જનતા જે રાશનની દુકાનોમાં સામાન લે છે તો તેમને ચાર કિલોની જગ્યાએ 7.5 કિલો રાશન મળશે અને તેના કોઈપણ રૂપિયા લેવામાં નહીં આવે. તેમણે જણાવ્યું કે આનાથી લગભગ 72 લાખ લોકો એટલે કે 18 લાખ પરિવારોને સીધો ફાયદો થશે. આ સાથે જ તેમણે વિધવાઓ, વૃદ્ધો અને વિકલાંગોનું પેન્શન બમણું કર્યું છે.
કેજરીવાલે આ દરમિયાન કહ્યું કે, વિધવા, વૃદ્ધો અને વિકલાંગોને આ બીમારીથી બચાવવા માટે તેમને સુરક્ષા અને સંસાધનની જરૂરિયાત રહેશે. આને જોતા સરકારે 2.5 લાખ વિધવાઓ, 5 લાખ ઘરડાઓ અને 1 લાખ વિકલાંગોનું પેન્શન બમણું કરવાનો નિર્ણય કર્યો છે. આ સાથે તેમણે જણાવ્યું કે જે લોકો બેઘર છે અને નાઇટ શેલ્ટર્સમાં રહી રહ્યા છે તેમના માટે સવાર-સાંજ ભોજન આ જ શેલ્ટર્સમાં આપવામાં આવશે. જો કે તેમણે એ પણ કહ્યું કે આ શેલ્ટર્સમાં આવીને કોઈપણ ભોજન કરી શકે છે.
આ સાથે સીએમ કેજરીવાલે જાણકારી આપી કે એપ્રિલ મહિનાનું રાશન આ વખતે 30 માર્ચનાં જ ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ રાશનની દુકાનો પર ભીડ ના લગાવે અને જો લાઇન લાગે છે તો 1 મીટરનું અંતર રાખે.
click and follow Indiaherald WhatsApp channel