રાજસ્થાનના બુંદી જિલ્લામાં એક જાનને ગમખ્વાર અકસ્માત નડયોહતો. કોટાથી સવાઈ માધોપુર જઈ રહેલી જાનૈયા ભરેલી એક બસ નદીમાં ખાબકતા ૨૪ જાનૈયાના મોત થયા હતા. પ્રાપ્ત થતી વિગતો અનુસાર બસમાં કુલ ૩૦ લોકો સવાર હતા. મૃતકોમાં ૧૦ પુરુષ અને ૧૧ મહિલાઓ તથા ૩ બાળકો સામેલ છે. આ બસ નદીમાં ખાબકીને ઊંધી થઈ ગઈ હતી તેથી જે લોકો તરીને બહાર આવતા માગતા હતા તેઓ બહાર નીકળી શક્યા ન હોતા.
માહિતી મુજબ તમામ મૃતકો મોસાળ પક્ષના હતા અને તમામ લોકો થનાર લગ્ન માટે ભાત વિધિ માટે જઈ રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના નડી હતી. ઘટનાને નજરે જોનાર લોકોએ જણાવ્યું કે દુર્ઘટના વખતે બસની ઝડપ ઘણી વધારે હતી. મેજ નદીના પુલ પર બસ બેકાબૂ બનીને ખાબકી હતી. બસ નદીમાં પડી હોવાની ખબર મળતાં ગામલોકો ધસી આવ્યા હતા અને બચાવ કામમાં લાગી ગયા હતા.૧૩ લોકોના મોત તો ઘટનાસ્થળે થઈ ગયા હતા. જે પુલ પર દુર્ઘટના બની હતી તેની પર કોઈ રેલિંગ પણ ન હોવાનું જણાવાયું હતું. પૂર્વ પરિવહન મંત્રી બાબુલાલ વર્માના સમયમાં આ નદી પર પુલ બન્યો હતો. તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે લોકોએ તેમને માર માર્યો હતો. ગુસ્સે થયેલા લોકોએ એવું જણાવ્યું કે વર્માએ આ પુલને પહોળો કરાવ્યો નહોતો.
ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ટ્વિટ કરીને જણાવ્યું બૂંદીમાં થયેલા દર્દનાક અકસ્માત અંગે જાણીને આઘાત લાગ્યો. પીડિત પરિવારો પ્રત્યે અનુકંપા અને શોકની લાગણી વ્યક્ત કરું છું. તથા ઘાયલો જલદીથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મુખ્યપ્રધાને મૃતકોના પરિવારજનોને ૨-૨ લાખની સહાય આપવાની જાહેરાત કરી હતી.
click and follow Indiaherald WhatsApp channel