હોલિવુડના સુપરસ્ટાર 63 વર્ષના ઓસ્કર વિજેતા અભિનેતા ટોમ હેન્ક્સે જાહેરાત કરી છે કે તેમને અને તેમની પત્ની રીટા વિલ્સનનો કોરોનાવાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ભારતીય સમય પ્રમાણે ગુરુવારે સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને તેમણે આ જાહેરાત કરી હતી. આ અભિનેતા ટૂંક સમયમાં જ અમેરિકન રોક એન્ડ રોલ સ્ટાર એલ્વિસ પ્રેસ્લી પરની ફિલ્મનું શુટિંગ શરૂ કરવાના હતા અને એ માટે જ તેઓ ઓસ્ટ્રેલિયામાં હતા.
તેમણે સોશ્યલ મીડિયામાં આ વાત જણાવતા લખ્યું છેકે ‘હાઇ મિત્રો, રીટા અને હું અહીં ઓસ્ટ્રેલિયામાં છીએ. અમને થાક, શરદી અને શરીરમાં કળતર જેવું ફીલ થતું હતું. રીટાને ઠંડી લાગતી હતી અને થોડો તાવ પણ હતો. એટલે અમે તરત જ કોરોનાવાયરસનો ટેસ્ટ કરાવ્યો અને અમારા બંનેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી અમને બંનેને ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે. અમારી તબિયત વિશે અમે દુનિયાને અપડેટ્સ જણાવતાં રહીશું.’
ડિરેક્ટર બાઝ લુહરમાનની ફિલ્મમાં ટોમ હેન્ક્સ એલ્વિસ પ્રેસ્લી પરની ફિલ્મમાં તેના તરંગી મેનેજરની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મની પ્રોડક્શન કંપની વૉર્નર બ્રધર્સે પણ એક સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું છે કે અમે અમારા સેટ પર આ વાયરસ ન ફેલાય તે માટેની પૂરેપૂરી તકેદારી લઈ રહ્યા છીએ. ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસના 120 કેસ સામે આવ્યા છે.
click and follow Indiaherald WhatsApp channel